1 કાળવૃત્તાંતનું 28:2-10
Gujarati: પવિત્ર બાઈબલ
2 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઇને સંબોધન કરતાં કહ્યું, “મારા ભાઇઓ, અને મારાં પ્રજાજનો, મારી વાત સાંભળો, મારો વિચાર આપણા દેવ યહોવાના કરારકોશ માટે એક વિશ્રાંતિનું મંદિર બાંધવાનો હતો, જે આપણા દેવ માટે પાયાસન જેવું બનશે. અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી; 3 પરંતુ, દેવે મને કહ્યું, ‘તારે મારે નામે મંદિર બાંધવાનું નથી, કારણ, તે ઘણાં યુદ્ધો કર્યા છે. અને પુષ્કળ લોહી રેડ્યું છે.’
4 “તેમ છતાં ઇસ્રાએલના યહોવા દેવે મારા પિતાના કુલસમૂહમાંથી ઇસ્રાએલ પર રાજ્ય કરવા માટે મને સહાય માટે પસંદ કર્યો, કારણ, તેણે રાજકર્તા વંશ તરીકે યહૂદાના કુલસમૂહને પસંદ કર્યો અને તે યહૂદાનાં કુલસમૂહમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યુ. અને તેઓ મારા એટલાં બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને સમગ્ર ઇસ્રાએલનો રાજા બનાવ્યો. 5 અને મારા બધા પુત્રોમાંથી-કારણ, યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે- યહોવાના રાજ્ય સમાન ઇસ્રાએલની રાજગાદી પર બેસવા માટે સુલેમાનને પસંદ કર્યો. 6 અને મને જણાવ્યું, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે મંદિર બંધાવશે, કારણકે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઇશ. 7 જો તે મારા આજ્ઞાઓ તથા હુકમો પાલન આજે કરે છે તેમ ઢતાથી કરતો રહેશે તો હું તેની રાજ્યસત્તા કાયમ માટે સ્થાપન કરીશ.’”
8 ત્યારબાદ દાઉદે સુલેમાન તરફ ફરીને કહ્યું, “આથી હવે આખા ઇસ્રાએલની, એટલે કે યહોવાના સમાજની સમક્ષ અને યહોવાની સમક્ષ હું તમને સૌને તમારા દેવ યહોવાની આજ્ઞાઓનો અભ્યાસ કરવાનું અને અનુસરવાનું જણાવું છું. જેથી તમે આ સમૃદ્ધ ભૂમિના માલિક રહો અને તમારા પછી તમારા વંશજોને એ કાયમ માટે વારસામાં આપી જઇ શકો.
9 “અને મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવનો સ્વીકાર કર અને તેની પૂરા હૃદયપૂર્વક અને રાજીખુશીથી સેવા કર, કારણ, યહોવા અંતર્યામી છે અને તે માણસના બધા વિચારો અને હેતુઓ જાણે છે, જો તું તેની શોધ કરીશ તો તે તારી આગળ પ્રગટ થશે પરંતુ જો તું તેનો ત્યાગ કરીશ તો તે સદા માટે તારો ત્યાગ કરશે. 10 તું એટલું યાદ રાખજે, જે યહોવાએ તને મંદિર બાંધવા માટે પસંદ કર્યો છે; મન મજબૂત રાખી એ કામ પૂરું કરજે.”
Read full chapterGujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International