1 તિમોથી 1:1-11
Gujarati: પવિત્ર બાઈબલ
1 ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવ આપણા તારનાર તથા ખ્રિસ્ત ઈસુ જેનામાં આપણી આશા છે તેની આજ્ઞાથી હું પ્રેરિત છું.
2 હવે તિમોથીને કહું છું. તેથી તું મારા ખરા દીકરા સમાન છે.
દેવ આપણા બાપ તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને તેની કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
ખોટા ઉપદેશ સામે ચેતવણી
3 મારી ઈચ્છા છે કે તું અફેસસમાં રહે. જ્યારે હું મકદોનિયામાં ગયો ત્યારે મેં તને તે આજ્ઞા આપી હતી. ત્યાં એફેસસમાં કેટલાએક લોકો ખોટું શિક્ષણ આપી રહ્યાં છે. તે લોકો ત્યાં ખોટી બાબતોનું શિક્ષણ ન આપે એવો તેઓને હુકમ કરવા તું ત્યાં જ રહેજે. 4 જે વાર્તાઓ સાચી નથી અને વંશાવળીઓમાં આવતાં નામોની લાંબી યાદીઓમાં તેઓ તેઓનો સમય ન બગાડે એવું તું તેઓને કહેજે કેમ કે તે બાબતો માત્ર દલીલબાજીને જ ઉત્તેજે છે. દેવના કાર્યમાં તે બાબતો જરાય ઉપયોગી હોતી નથી. વિશ્વાસથી જ દેવનું કાર્ય સિદ્ધ થાય છે. 5 આ આજ્ઞાનો હેતુ એ છે કે લોકો પ્રેમનો માર્ગ સ્વીકારે. આ પ્રેમની પ્રાપ્તિ માટે લોકોનું હૃદય શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. જે યોગ્ય અને સાચું લાગતું હોય તે જ તેઓએ કરવું જોઈએ. અને તેઓમાં સાચો વિશ્વાસ હોવો જોઈએ. 6 કેટલાએક લોકોએ આ બધું તો કર્યુ જ નથી. તેઓ ખોટા રસ્તે ભૂલા પડી ગયા છે, અને જે બાબતોની કશી કિમત નથી તેના વિષે તેઓ વાતો કર્યા કર છે. 7 તે લોકોને તો મૂસાના નિયમશાસ્ત્રના ઉપદેશકો થવું છે. પરંતુ તેઓ શાના વિષે બોલી રહ્યાં છે, તેનું તેઓને ભાન નથી. જે બાબતો વિષે તેઓ ખાતરીપૂર્વક બોલી રહ્યા છે તે તેઓ પોતે પણ સમજી શક્તા નથી.
8 જો કોઈને નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો તે સારું જ છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. 9 આપણે તે પણ જાણીએ છીએ કે ન્યાયી માણસો માટે નિયમની રચના કરવામાં આવી નથી. નિયમ તો તેઓના માટે છે કે જે લોકો નિયમની વિરૂદ્ધમાં છે અને જેઓ નિયમના પાલનનો ઈન્કાર કરે છે. જે લોકો દેવથી વિમુખ હોય, જે પાપી હોય, જેઓ પવિત્ર ન હોય, અને જેને કોઈ ધર્મ ન હોય, જે લોકો પિતૃહત્યારા તથા માતૃહત્યારા હોય, ખૂની હોય, એવા લોકો માટે નિયમ હોય છે. 10 જે લોકો વ્યભિચારનું પાપ કરતા હોય, જેઓ પુંમૈથુનીઓ હોય, જેઓ ગુલામોને વેચતા હોય જેઓ જૂઠ બોલતા હોય, જેઓ ખોટા સમ લેતા હોય છે અને દેવના શુદ્ધ ઉપદેશની વિરૂદ્ધમાં કઈ પણ કરતા લોકો માટે નિયમ છે. 11 દેવે મને જે સુવાર્તા કહેવા મોકલ્યો છે, તેના એક ભાગરુંપે હુ આ ઉપદેશ આપી રહ્યો છું. તે મહિમાની સુવાર્તા સ્તુત્ય દેવ તરફથી પ્રાપ્ત થઈ છે.
Read full chapterGujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International