ગણના 3-4
Gujarati: પવિત્ર બાઈબલ
હારુન પરિવારનો યાજકપદે
3 સિનાઈ પર્વત પર યહોવાએ મૂસા સાથે વાત કરી ત્યારે હારુન અને મૂસાના વંશાવળી આ પ્રમાંણે હતી:
2 હારુનના જ્યેષ્ઠ પુત્રનું નામ નાદાબ, તે પછી અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર. 3 એમનો યાજકો તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને તેમને યાજકના અધિકારો આપવામાં આવ્યા હતા. 4 પરંતુ નાદાબ અને અબીહૂ એ અપવિત્ર અગ્રિ યહોવાને ધરાવ્યો તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓને એક પણ પુત્ર ન હતો. અને તેથી એલઆઝાર અને ઈથામાંર તેઓના પિતાના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ આપતા હતા.
લેવી વંશીઓ યાજકોના સહાયક
5 યહોવાએ મૂસાને કહ્યુ, 6 “લેવીના કુળસમૂહોને બોલાવી લાવ અને તેમને યાજક હારુનની સેવામાં નિયુક્ત કર. 7 તેમણે યાજકો અને સમગ્ર સમાંજ તરફથી મુલાકાતમંડપની સેવામાં ઉપસ્થિત રહીને ફરજો બજાવવાની છે; 8 અને તેઓએ મુલાકાત મંડપની સાધન સામગ્રી સંભાળવાની છે અને તેમણે બધા ઇસ્રાએલી પ્રજાજનો તરફથી થાનકની ફરજો બજાવવાની છે.
9 “અને તારે હારુનના તથા તેના પુત્રોના હવાલામાં લેવીઓને સોંપી દેવા કારણ કે બધા ઇસ્રાએલીઓમાંથી તેમને સેવા કરવા માંટે પસંદ કરવામાં આવ્યા છે.
10 “અને તારે હારુનને અને તેના કુળોને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મોતની સજા કરવી.”
11 પછી યહોવાએ મૂસાને કહ્યું, 12 “ઇસ્રાએલ પ્રજાના પ્રથમજનિત પુત્રોની અવેજીમાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે, તેથી ઇસ્રાએલના સર્વ પ્રથમ જન્મેલા પુત્રોના સ્થાને લેવીઓ માંરી સેવામાં રહેશે. 13 એ લોકો માંરા ગણાશે, કારણ કે પ્રત્યેક પ્રથમ પુત્ર ઉપર માંરો હક છે, જ્યારે મેં મિસરના બધા પ્રથમ પુત્રોને માંરી નાખ્યા હતા ત્યારે મેં ઇસ્રાએલનાં બધાં જ પ્રથમ અવતરેલાંને માંરે માંટે રાખી લીધાં હતાં, પછી એ માંણસ હોય કે પશુ હોય, તેઓ માંરાં છે; હું યહોવા છું.”
14 સિનાઈના અરણ્યમાં યહોવાએ ફરીથી મૂસા સાથે વાત કરી અને કહ્યુ, 15 “લેવી કુળસમૂહના બધા પુરુષોની નોંધણી કર; એક મહિના અને તેથી વધારે ઉમરના સર્વ પુરુષોની કુટુંબ પ્રમાંણે ગણતરી કર.” 16 યહોવાની આજ્ઞા પ્રમાંણે મૂસાએ તેમની યાદી તૈયાર કરી.
17 લેવીના પુત્રોનાં નામ આ મુજબ છે: ગેર્શોન, કહાથ, અને મરારી,
18 ત્રણેય એમના નામે ઓળખાતાં કુળસમૂહોના મૂળ પુરુષો હતા.
ગેર્શોનના કુળસમૂહો લિબ્ની અને શિમઈ.
19 કહાથના કુળસમૂહો; આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
20 મરારીના કુળસમૂહ; માંહલી અને મૂશી. આ સર્વનાં નામો પરથી લેવીઓનાં ગોત્રોનાં નામ ગણાયા.
આ થઈ લેવીના કુળસમૂહોની કુટુંબવાર યાદી.
21 ગેર્શોનના કુળસમૂહોમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો થયા હતા. 22 એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા ગણતા તે 7,500 હતી. 23 તેઓની છાવણીનું સ્થાન પવિત્રમંડપની પાછળ પશ્ચિમ દિશામાં હતું. 24 લાએલનો પુત્ર એલ્યાસાફ તેમનો આગેવાન હતો. 25 એ લોકોએ પવિત્રમંડપમાં એની અંદરનું આવરણ, બહારનું આવરણ, પ્રવેશદ્વારનો પડદો, 26 પવિત્રમંડપની અને વેદીની આસપાસના ચોકના પડદાઓની, ચોકના પ્રવેશદ્વારના પડદાની, એની દોરીઓની, તેમજ એ બધાંને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી.
27 કહાથના કુળસમૂહમાં આમ્રામી, ઈસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ એટલાં કુટુંબો હતાં. 28 એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા 8,600 હતી. 29 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની દક્ષિણમાં હતું. 30 ઉઝઝીએલનો પુત્ર અલીસાફાન તેમનો આગેવાન હતો. 31 તે લોકોએ પવિત્રકોશની, બાજઠની, દીવીની અને વેદીઓની, ઉપાસનામાં વપરાતાં પવિત્ર વાસણોની, ગર્ભગૃહ આગળના પડદાની તથા એ બધાને લગતાં સર્વ કામકાજની અને ઉપયોગની સંભાળ રાખવાની હતી.
32 લેવીઓના આગેવાનોનો મુખી, યાજક હારુનનો પુત્ર એલઆઝાર હતો; પવિત્રસ્થાનની સેવામાં જે બધા હતા તે સૌનો તે ઉપરી હતો, તેમના કાર્ય ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેની હતી.
33 મરારીના કુળસમૂહોમાં માંહલી અને મૂશી એ બે કુટુંબો હતાં. 34 એક મહિના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા કુલ 6,200 હતી. 35 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની ઉત્તરના વિસ્તારમાં હતું. અબીહાઈલનો પુત્ર સૂરીએલ મરારી કુળસમૂહનો આગેવાન હતો. 36 એ લોકોએ થાનકના મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્તંભો, કૂંભીઓ, ઓજારો તથા આ સર્વને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી. 37 તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ, અને દોરીઓની સંભાળ પણ તેમણે જ રાખવાની હતી.
38 મૂસા હારુન અને તેના પુત્રોનો મુકામ થાનકના પવિત્રમંડપની સામે ઉગમણી દિશામાં હતો. ઇસ્રાએલીઓ તરફથી મુલાકાતમંડપની પૂરી જવાબદારી તેઓને માંથે હતી. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મૃત્યુદંડની સજા થતી.
39 યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ અને હારુને કુટુંબવાર ગણેલા એક મહિનાના અને તેની ઉપરની ઉમરના લેવી પુરુષોની સંખ્યા કુલ 22,000 હતી.
પ્રથમજનિતોનું સ્થાન લેતા લેવીઓ
40 યહોવાએ મૂસાને કહ્યુ, “એક મહિનાના અને તેની ઉપરની ઉમરના બધા પ્રથમજનિત ઇસ્રાએલી પુરુષોની નોંધણી કર અને તેમની સંખ્યા ગણ. 41 અને તું એ પ્રથમજનિત ઇસ્રાએલના પુરુષોની અવેજીમાં મને લેવીઓ સમર્પી દે. હું યહોવા છું, એ જ રીતે ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરના વાછરડાના અવેજીમાં લેવીઓનાં ઢોર મને સોંપી દે.”
42 યહોવાના કહ્યાં મુજબ મૂસાએ ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની યાદી તૈયાર કરી. 43 એક મહિનાના અને તેની ઉપરના પ્રથમજનિત પુત્રોની નામવાર યાદી કરી તો તેમની કુલ સંખ્યા 22,273 થઈ.
44 ત્યાર પછી યહોવાએ મૂસાને કહ્યું, 45 “‘બધા પ્રથમજનિત ઇસ્રાએલીઓના પુરુષોની અવેજીમાં મને લેવીઓ આપ; અને ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરનાં વાછરડાંના બદલામાં લેવીઓનાં ઢોર સોંપી દે. 46 લેવીઓની સંખ્યા કરતાં ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની સંખ્યા 273 જેટલી વધુ છે. એટલે તું તેઓને એ વધારના પુત્રોને છોડાવી લેવા કહે. 47 અધિકૃત માંપ પ્રમાંણે ખંડી લેવાના પ્રત્યેક પુરુષ દીઠ 5 શેકેલ ચાંદી આપવી. 48 અને તે નાણાં તારે હારુનને અને તેના પુત્રોને આપવાં.’”
49 ઇસ્રાએલના પ્રથમજનિત પુરુષો લેવીઓના પુરુષો કરતા 273 વધારે હતા: આ વધારના પ્રથમજનિતોને છોડાવવાં મૂસાએ ઇસ્રાએલીઓ પાસેથી નાણાં એકઠા કર્યા. 50 અધિકૃત માંપ અનુસાર એ રકમ 1,365 શેકેલ ચાંદી જેટલી હતી. 51 યહોવાએ આજ્ઞા કરી હતી તે મુજબ મૂસાએ તે રકમ હારુનને અને તેના પુત્રોને આપી દીધી.
કહાથના વંશજોની ગણતરી અને કર્તવ્યો
4 યહોવાએ મૂસા અને હારુનને કહ્યું, 2-3 “લેવીના કુળસમૂહમાં કહાથના કુળસમૂહના તેઓના કુટુંબો પ્રમાંણે તથા તેઓના પિતાઓના ઘર પ્રમાંણે ત્રીસથી પચાસ વર્ષની ઉમરના મુલાકાત મંડપમાં સેવા કરવા લાયક બધા પુરુષોની કુટુંબવાર નૌંધણી કરો. 4 કહાથના કુળસમૂહોએ મુલાકાત મંડપને લગતી નીચે મુજબની સેવાએ કરવાની છે જે પરમપવિત્ર વસ્તુઓને લગતી છે.
5 “જયારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના પુત્રોએ પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈ તેનાથી સાક્ષ્કોશને ઢાંકી દેવો, 6 ત્યારબાદ તેઓ બકરાના કુમાંશદાર ચામડા વડે પડદાને ઢાકે, બકરાના ચામડાને ભૂરા જાંબુડિયાં રંગના કપડાથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.
7 “પછી તેઓએ રોટલી ઘરાવવાના બાજઠ પર એક ભુરા જાંબુડિયા રંગનું કાપડ પાથરી દેવું, અને થાળીઓ, ચમચા, વાટકા, ધૂપદાની અને પેયાર્પણ અને ખાસ રોટલો હમેશા તેની ઉપર હોવો જોઈએ. 8 નૈવેધની રોટલી તેના ઉપર રાખવી, અને એ બધા ઉપર કિરમજી રંગનું કાપડ પાથરવું. કિરમજી રંગના આ કપડા પર બકરાનું ચામડું ઢાંકવું, અને પછી ઊચકવા માંટેના દાંડા દાખલ કરવા.
9 “ત્યારબાદ તેઓએ એક ભૂરા જાંબુડિયા રંગનું કપડું લઈ તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકવાં. 10 તે પછી આ બધી જ વસ્તુઓ સહિત એ દીવીને કુમાંશદાર ચામડામાં લપેટીને તેમને લઈ જવા માંટેની પાલખી ઉપર મૂકી દેવી.
11 “પછી તેઓએ સોનાની વેદી ભૂરા જાંબૂડિયા રંગના કપડાથી ઢાંકવી, તેઓએ તેને બકરાના કુમાંશદાર ચામડાથી ઢાંકવું અને તેને ઊચકવાના દાંડા દાખલ કરી દેવા.
12 “પછી પવિત્રજગ્યામાં ઉપાસનામાં વપરાતાં બધાં વાસણોને ભૂરા રંગનું કાપડ ઢાંકવું અને તેના પર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકી દેવું અને તેને પાલખી પર મૂકવાં.
13 “ત્યારબાદ તેમણે વેદી પરથી રાખ સાફ કરી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું કપડું ઢાંકવું. 14 અને વેદીની ઉપાસનામાં વપરાતાં સર્વ વાસણોને દેવતા ભરવાની તબકડી, ચીપિયા, પાવડી અને પાણી છાંટવાના ડોયા-વગેરે ઉપર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકવું અને પછી ઉપાડવાના દાંડા દાખલ કરવા.
15 “હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે.
16 “યાજક હારુનના પુત્ર એલઆઝારે દીવાના તેલની, સુવાસિત સુગંધીની, રોજના ખાધાર્પણ તથા અભિષેકના તેલની જવાબદારી બજાવવાની છે, તથા સમગ્ર પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ રાખવાની જવાબદારી પણ તેમણે જ કરવાની છે.”
17 પછી યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, 18 “તમાંરે કહાથના કુળસમૂહના કુટુંબોના લેવીઓમાંથી ઉચ્છેદ થવા દેવો નહિ. 19 પરમપવિત્ર વસ્તુઓ ઊચકીને લઈ જતાં મૃત્યુ ન પામે તે માંટે તારે આ પ્રમાંણે કરવું: હારુને અને તેના પુત્રોએ આવીને પ્રત્યેકને તેમનું કામ અને તેમને જે ઉપાડવાનું હોય તે સુપ્રત કરવું. 20 તથા તે પવિત્ર વસ્તુઓ બંધાતી હોય ત્યારે કહાથના કુળસમૂહોએ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવો નહિ, રખેને તેઓની નજર પવિત્ર વસ્તુઓ પર ત્યાં પડે અને તેઓ મૃત્યુ પામે.”
ગેર્શોન-કુટુંબના સેવા કાર્યો
21 યહોવાએ મૂસાને કહ્યું, 22 “તમાંરે લેવી કુળના ગેર્શોનના કુળસમૂહોની પણ કુટુંબવાર નોંધણી કરવી. 23 પવિત્રમંડપમાં સેવા કરવાને લાયક હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉમરના જે પુરુષો હોય તેમની નોંધણી કરવી.
24 “ગેર્શોનના કુળસમૂહના પુરુષોએ નીચેની વસ્તુઓ ઉપાડવાની સેવા બજાવવાની છે: 25 તેમણે પવિત્ર મંડપના અંદરના પડદા, પવિત્રમંડપનું બહારનું આવરણ, છત તરીકેનું બકરાના ચામડાનું આવરણ અને પવિત્રમંડપના પ્રવેશદ્વારનો પડદો. 26 તથા ચોકના પડદા, પવિત્રમંડપ અને વેદીની આસપાસના ચોકના પ્રવેશદ્વારનો પડદો-દોરડાંઓ, અને એ સર્વને લગતી બધી સાધન-સામગ્રી ઉપાડવાની જવાબદારી તેઓની છે. 27 આ બધાં કામો તેમણે હારુન અને તેના પુત્રોની આજ્ઞા મુજબ ગેર્શોનીઓએ કરવાનાં છે. અને ભાર ઊચકવાનું પવિત્રમંડપની કે સેવાનું જે કામ સોંપે તે તેઓએ કરવાનું છે. 28 ગેર્શોનના કુળસમૂહોએ પવિત્ર મંડપની લગતી આ સેવાઓ કરવાની છે, અને યાજક હારુનના પુત્ર ઈથામાંરે એમના ઉપર દેખરેખ રાખવાની છે.”
મરારી કુટુંબના સેવાકાર્યો
29 “પછીથી તમાંરે મરારીના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરવાની છે. 30 પવિત્રમંડપના પવિત્ર કાર્ય માંટે લાયક હોય તેવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના પુરુષોની ગણતરી તારે કરવાની છે. 31 તેમણે પવિત્રમંડપમાંની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે: તંબુનાં પાટિયાં, તેની વળીઓ, થાંભલીઓ અને કૂંભીઓ, 32 આંગણાની ચારે બાજુની દીવાલના સ્તંભો, કૂંભીઓ, ખુંટીઓ, દોરડીઓ અને તેની સાધનસામગ્રી. 33 પ્રત્યેક પુરુષને તેણે ઉપાડવાની વસ્તુઓ સોંપવામાં આવે. મરારીના કુળસમૂહો પણ આટલી સેવા કરે. પવિત્રમંડપના તેઓનાં બધાં કામો ઉપર યાજક હારુનના પુત્ર ઈથામાંરે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.”
લેવી પરિવાર
34 યહોવાની આજ્ઞા મુજબ મૂસા તથા હારુને અને અન્ય આગેવાનોએ કોહાથના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરી. 35 પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમર ના સર્વ પુરુષોની નોંધણી કરી.
36 તેઓની કુલ સંખ્યા 2,750 થઈ. 37 યહોવાની આજ્ઞા અનુસાર મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.
38 એ જ રીતે ગેર્શોનના કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી. 39 પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના બધા જ પુરુષોની નોંધણી કરવામાં આવી. 40 તેઓના કુળસમૂહની કુટુંબવાર નોંધણીની કુલ સંખ્યા 2,630 થઈ. 41 યહોવાએ આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.
42 મરારી કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી. 43 પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના સર્વ પુરુષોની નોંધણી કરવામાં આવી. 44 તેઓની કુટુંબવાર નોંધણી અનુસાર કુલ સંખ્યા 3,200 થઈ. 45 યહોવાની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને આ નોંધણીનું કાર્ય કર્યુ.
46 આ રીતે મૂસાએ અને હારુને તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ બધા જ લેવીઓની વંશાનુસાર તથા કુટુંબવાર નોંધણી કરી. 47 ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉમરના જે લેવી પુરુષો પવિત્રમંડપની સેવા કરવા તથા તેને ઉપાડી લઈ જવાનું કામ કરવા આવ્યા 48 તેઓની કુલ સંખ્યા 8,580 થઈ. 49 યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર દરેકને સેવાની અને ભાર ઉપાડવાની જવાબદારી સોંપવામાં આવી. આમ, યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર તેઓની નોંધણી કરવામાં આવી.
ગણના 6
Gujarati: પવિત્ર બાઈબલ
નાજીર વ્રત ધારણ કરવા અંગેના નિયમો
6 યહોવાએ મૂસાને કહ્યું, 2 “તું ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે કહે: જો કોઈ સ્ત્રી કે પુરુષ ‘નાજીર’ થઈને યહોવાની સેવા કરવાનું ખાસ વ્રત લે, 3 તો યહોવાને કરેલા સમર્પણના પૂર્ણ સમય દરમ્યાન તેણે દ્રાક્ષારસનો અને કેફી પીણાનો ત્યાગ કરવો, તદુપરાંત તેણે દ્રાક્ષામાંથી બનાવેલું કોઈ પણ પ્રકારનું પીણું પીવું નહિ, કે દ્રાક્ષ કે કિસમિસ ખાવી નહિ. 4 જયાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષમાંથી કોઈ પણ વસ્તુ દ્રાક્ષના બી કે છાલ પણ ખાવા નહિ!
5 “વળી એ સમય દરમ્યાન તેણે વાળ કપાવવા નહિ, કારણ કે તેનું વ્રત ચાલુ હોય છે, અને જયાં સુધી વ્રત પૂરું પૂર્ણ ન થાય ત્યાં સુધી તે દેવને સમર્પિત થયેલો છે તેથી તેણે પોતાના વાળ વધારવા જોઈએ.
6 “તેણે લીધેલા વ્રતના સર્વ દિવસો દરમ્યાન તેણે કદી મૃતદેહ નજીક જવું નહિ. 7 તેનાં માંતા-પિતા કે ભાઈ બહેન મરી જાય તો પણ તેણે મૃતદેહ નજીક જઈ પોતાની જાતને અશુદ્ધ કરવી નહી, કારણ તેના માંથા પરના વાળ તેના દેવના સમર્પિત થયાની નિશાની છે. 8 વ્રતના પૂરા સમય દરમ્યાન તે ‘નાજીર’ વ્રતી હોવાથી ત્યાં સુધી તે યહોવાને સમર્પિત થયેલ છે. 9 પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તે અશુદ્ધ બને, તો સાત દિવસ પછી તેણે પોતાના અશુદ્ધ થયેલા માંથાના વાળ કપાવવા. કારણ કે તે દિવસે તેની શુદ્ધિ થાય છે. 10 અને આઠમાં દિવસે તેણે પવિત્ર મંડપના પ્રવેશદ્વાર આગળ યાજક સમક્ષ બે હોલા અથવા કબૂતરના બે બચ્ચાં લાવવાં. 11 યાજકે એમાંનું એક પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનાર્પણ તરીકે ચઢાવીને તે માંણસના પાપનો પ્રાયશ્ચિતવિધિ કરવો, કારણ કે તે મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયો હતો. તે સમયે વ્યક્તિ ફરીથી પોતાના વાળ કપાવ્યા વિના દેવને સમર્પિત કરશે. 12 અને તે જ દિવસે તેણે ‘નજીરી’ ના વ્રતની નવેસરથી શરૂઆત કરીને વાળ વધારવા. આ અગાઉના તેના સમર્પણના દિવસો ગણવામાં આવશે નહિ, કારણ, તેનો વ્રતભંગ થયો હતો જેના દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું.
13 “યહોવાની સેવા માંટેના ‘નાજીરી’ વ્રતની સમય પૂર્ણ થતાં તે દિવસે તેણે નીચે પ્રમાંણે વિધિ કરવી; તેને પવિત્રમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો. 14 અને ખોડ વિનાના એક વર્ષનાં નર ઘેટાનું દહનાર્પણ, ખોડ વિનાની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાનું શાંત્યાર્પણ કરવું:
15 તથા એક ટોપલી ભરીને મોહેલા લોટની બેખમીર રોટલી તથા તેલ ચોપડેલા બેખમીર ખાખરા,
અને ખાધાર્પણ તથા પેયાર્પણ તે ચઢાવે.
16 “યાજકે આ બધું યહોવાને ઘરાવવું અને તે માંણસનાં પ્રથમ પાપાર્થાર્પણ અને દહનાર્પણ ચઢાવવાં. 17 પછી તેણે નર ઘેટાને યહોવા સમક્ષ શાંત્યાર્પણ તરીકે સમર્પિત કરવું. રોટલીની ટોપલી, ખાધાર્પણ અને પેયાર્પણ સાથે તે યહોવાને અર્પણ કરશે.
18 “નાઝારી વ્રત ધારણ કરનારે પવિત્રમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવાં, અને એ સમર્પિત કરી શાંત્યાર્પણની નીચેના અગ્નિમાં હોમી દેવા.
19 “વ્રતધારીએ વાળ ઉતરાવ્યા પછી યાજકે નર ઘેટાનો બાફેલો ખભો તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લઈને તેના હાથમાં મૂકવાં. 20 ત્યારવાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાની સમક્ષ ઝુલાવે. એ અર્પણો યાજકને માંટેનો પવિત્ર ભાગ ગણાય છે. એની ઉપરાંત, ઘેટાની છાતીનો ભાગ અને જાંધ દેવને ઘરવા, આ અર્પણો પણ યાજકના ગણાય, હવે તે વ્યક્તિ નાજીરી વ્રતમાંથી મુક્ત થઈને ફરી દ્રાક્ષારસ પી શકે છે.
21 “નાજીરી માંટે અને બલિદાનો માંટેના આ નિયમો છે. નાજીરી થવાની પ્રતિજ્ઞા લીધી હોય ત્યારે તેણે અન્ય અર્પણો માંટે વચન આપ્યું હોય તો નક્કી કરેલાં બલિદાનો સાથે તે અર્પણો પણ લાવીને ચઢાવવાં.”
યાજકોના આશીર્વાદો
22 પછી યહોવાએ મૂસાને કહ્યું, 23 “હારુન અને તેના પુત્રોને કહે કે, તેઓ ઇસ્રાએલી પ્રજાને આ ખાસ આશીર્વાદ આપે:
24 ‘યહોવા તમને આશીર્વાદ આપો અને તમાંરું રક્ષણ કરો;
25 યહોવાની તમાંરા પર કૃપાદૃષ્ટિ
અને મહેરબાની થાવ.
26 યહોવા તમાંરા પર પ્રસન્ન હો અને તમને શાંતિ આપો.’”
27 પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રીતે હારુન અને તેના પુત્રો માંરા આશીર્વાદ ઇસ્રાએલી લોકોને આપે અને હું પોતે વ્યક્તિગત માંરા આશીર્વાદ તેઓને આપીશ.”
ગણના 11-14
Gujarati: પવિત્ર બાઈબલ
લોકોની ફરિયાદો
11 લોકો પોતાની હાડમાંરીઓની ફરિયાદો યહોવા સમક્ષ કરવા લાગ્યા. યહોવા તે સાંભળીને તેઓના પર ગુસ્સે થયો. યહોવાનો અગ્નિ છાવણીના છેવાડેના લોકો વચ્ચે ભડભડી ઊઠયો અને તેનો છેડો બળી ગયો. 2 લોકોએ મૂસાને સહાય માંટે પોકાર કરી, તેથી તેણે લોકો માંટે યહોવાને પ્રાર્થના કરી તેથી અગ્નિ શાંત થઈ ગયો. 3 ત્યારબાદ તે જગ્યાનો વિસ્તાર તાબએરાહ નામે પ્રચલિત થયો. કારણ, ત્યાં યહોવાનો અગ્નિ તે લોકોની વચ્ચે ભડભડી ઊઠયો હતો.
સિત્તેર વડીલો
4 ઇસ્રાએલીઓ સાથેના કેટલાક લોકો સારું સારું ખાવાના લાલચુ હતા; તેઓને મિસરનો ખોરાક યાદ આવ્યો. ઇસ્રાએલીઓમાં પણ અસંતોષ વધતાં તેઓએ રોદણાં રડવા લાગ્યા. “અરે! અમને ખાવા માંટે માંસ કોણ આપશે? 5 મિસરમાં તો અમે મફતમાં મજાથી માંછલીઓ ખાતા હતા, ત્યાં તો કાકડી, તડબૂચ, ડુંગળી, પ્યાજ અને લસણ પણ મળતાં હતા! 6 અહીં તો અમાંરા શરીર દિવસે દિવસે નબળા પડી ગયા છે. દરરોજ ફકત આ માંન્ના જ અમને મળે છે.” 7 માંન્નાનું કદ ધણાના દાણા જેટલું હતું. તેનો રંગ પીળાશ પડતો ધોળો હતો. 8 લોકો ખેતરમાં ફરીને માંન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણિયામાં ખાંડી લેતા અને લોટ બનાવીને તેને તપેલીમાં બાફીને તેની ભાખરી બનાવતા. 9 એનો સ્વાદ મોવણ નાખેલી ભાખરી જેવો લાગતો. રાતના સમયે છાવણી ઉપર ઝાકળ પડતું ત્યારે તેની સાથે માંન્ના પણ પડતું.
10 મૂસાએ બધા લોકોને પોતપોતાના તંબુના બારણા આગળ ઊભા રહીને રોદણાં રડતા સાંભળ્યા. યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠતા મૂસા પણ ભારે ચિંતામાં પડયો. 11 મૂસાએ યહોવાને કહ્યું, “તમે માંરી આવી ભૂંડી દશા શા માંટે કરી? તમને દ્વિધા થાય એવું મે શું કર્યુ છે? સમગ્ર ઇસ્રાએલી લોકોની જવાબદારી લેવા તમે મને કેમ પસંદ કર્યો? 12 શું હું તેઓનો પિતા છું? શું તે બધાં માંરાં બાળકો છે? તમે તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તમે, કોઈ ધાવણા બાળકને છાતીએ વળગાડીને લઈ જાય તેમ તેઓની સંભાળ રાખવાનું કાર્ય મને શા માંટે સૌપ્યું છે? 13 આ બધા લોકોને માંટે મને માંસ કયાંથી મળી શકે? તેઓ રૂદન કરીને મને કહે છે, ‘અમને માંસ આપો.’ પણ માંરે આ લોકો માંટે માંસ લાવવું કયાંથી? 14 હવે હું એકલો આ સમગ્ર પ્રજાનો ભાર સહન કરવા અસમર્થ છું. 15 જો માંરી પાસેથી તમે આ બધું કામ કરાવવા માંગતા હો, તો કૃપા કરીને હમણા જ મને માંરી નાખો; તમે માંરા ઉપર ભલાઈ કરતા હો, તો મને આગળ પણ દુઃખ ન જોવા દેતા.”
16 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના સિત્તેર વડીલોને માંરી સમક્ષ મુલાકાત મંડપ આગળ લઈ આવ જેઓને વિષે તને ખાતરી હોય, અને ત્યાં તારી સાથે ઊભા રહેવાનું તેઓને કહે. 17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્માં આપ્યો છે તેમાંથી લઈને હું એ લોકોને આપીશ તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, પછી તારે એકલાએ તે ભાર સહન કરવો પડશે નહિ.”
18 યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોને આ પ્રમાંણે કહે; દેહ શુદ્ધ કરી આવતીકાલને માંટે તૈયાર થાઓ, તમને માંસ ખાવા મળશે, તેઓને એ પણ કહે કે, યહોવાએ તમને રડતાં અને ફરિયાદ કરતાં સાભળ્યાં છે કે, ‘અમને માંસ કોણ આપશે? અમે મિસરમાં જ સારા હતાં!’ તે તમને માંસ આપશે, ને તમે તે જમશો. 19 એક દિવસ કે બે દિવસ નહિ, પાંચ, દશ કે વીસ દિવસ નહિ, 20 પરંતુ એક મહિના સુધી, તમે એનાથી કંટાળી જાઓ, તમને ચીતરી ચડે ત્યાં સુધી તમાંરે તે જમવું પડશે. કારણ કે તમે તમાંરી વચ્ચે વસતા યહોવાનો અનાદર કર્યો છે, અને તેમની આગળ એમ કહીને રોદણાં રડયા છો કે, ‘અમે મિસર છોડીને ન આવ્યા હોત તો સારું થાત.’”
21 મૂસાએ કહ્યું, “અત્યારે અહીં માંરી સાથે 6,00,000 પુરુષો કૂચ કરી રહ્યા છે, ‘અને તમે એમને એક આખા મહિના સુધી માંસ આપવાનું વચન આપો છો?’ 22 અરે! અમે અમાંરાં બધાં જ ઘેટાં બકરાં તથા ઢોરઢાંખર કાપીએ, તો પણ તેમાંથી આટલું બધું માંસ મળી શકે નહિ. દરિયાની બધી માંછલીઓ પકડીએ તો પણ તે પૂરી પડે નહિ.” 23 યહોવાએ મૂસાને કહ્યું, “માંરી શક્તિ તો અમર્યાદિત છે, તૂં હમણાં જ જોશે કે, માંરું વચન સાચું સાબિત થાય છે કે નહિ.”
24 પછી મૂસાએ બહાર આવીને યહોવાએ જે કહ્યું હતું તે લોકોને કહી સંભળાવ્યું. તેણે લોકોમાંથી સિત્તેર વડીલો પસંદ કરીને ભેગા કર્યા. અને તેઓને તંબુની આજુબાજુ ઊભા રાખ્યા. 25 ત્યારબાદ યહોવા વાદળમાંથી ઊતરી આવ્યા અને મૂસા સાથે વાત કરી, પછી તેમણે મૂસાને જે આત્માં આપ્યો હતો તે લઈ અને તે સિત્તેર વડીલોને આપ્યો એટલે તેઓનામાં આત્માંનો સંચાર થયો. એટલે થોડા સમય સુધી પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કર્યો, પણ ત્યાર પછી તેઓએ એમ કર્યુ નહિ.
26 પરંતુ સિત્તેર પસંદગી પામેલા વડીલોમાંથી બે એલ્દાદ અને મેદાદ હજુ છાવણીમાં જ હતા, તેઓ તંબુ આગળ ગયા નહોતા તેમ છતાં તેઓનામાં પણ આત્માંનો સંચાર થયો જેણે તેમને પ્રબોધ કરાવ્યો. 27 એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કરી રહ્યા છે.”
28 નૂનના પુત્ર યહોશુઆ, જે નાનો હતો ત્યારથી મૂસાની સેવામાં રહ્યો હતો, તેણે વિરોધ દર્શાવતાં કહ્યું, “માંરા ધણી, મૂસા, મહેરબાની કરી તેમને રોકો.”
29 પણ મૂસાએ પ્રત્યુત્તર આપ્યો, “શું તને માંર પ્રતિષ્ઠાની ચિંતા છે? હું તો ઈચ્છું છું કે યહોવાના બધા લોકો પ્રબોધકો થાય યહોવા સૌને આત્માં આપે.” 30 ત્યારબાદ મૂસા તથા સિત્તેર આગેવાનો છાવણીમાં પાછા ગયા.
લાવરીઓની વર્ષા
31 એના પછી તરત યહોવાએ પવનને મોકલ્યો, અને તે દરિયામાંથી તેની સાથે લાવરીઓને ઉપાડી લાવ્યો. લાવરીઓ છાવણીમાં તથા તેની આસપાસ ઘસડાઈને પડવા લાગી. તેઓએ જમીનને ત્રણ ફુટ ઉડી ઢાંકી દીધી. માંણસ એક દિવસમાં જેટલું અંતર કાપી શકે તેટલાં અંતરમાં દરેક દિશામાં લાવરીઓ ફેલાયલી હતી. 32 તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને પછીનો આખો દિવસ લાવરીઓ ભેગી કરી. કોઈ પણ વ્યક્તિએ દશ હોમેરથી ઓછી લાવરીઓ ભેગી કરી ન્હોતી. તેઓએ તેને છાવણીની ફરતા સુકાવા માંટે ફેલાવી દીધી.
33 પણ હજું માંસ તેમના દાંત વચ્ચે જ હતું. તેમણે ચાવ્યું પણ નહોતું ત્યાં તો તેમના ઉપર યહોવાનો રોષ ભભૂકી ઊઠયો; છાવણીમાં ભયંકર રોગનો ઉપદ્રવ ફાટી નીકળ્યો. મરકીમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા. 34 તેથી તેમણે એ જગ્યાનું નામ “કિબ્રોથ-હાત્તાવાહ” એટલે કે લાલચુઓની કબરો પાડયું. કારણ કે ત્યાં લોકોએ માંસની અને મિસરની લાલસા કરનારાઓને દફનાવ્યા હતા.
35 ત્યારબાદ તે લોકોએ તે સ્થળનો ત્યાગ કર્યો અને યાત્રા કરીને હસેરોથ આવ્યા, અને ત્યાં તેઓએ થોડા સમય માંટે મુકામ કર્યો.
મરિયમ અને હારુનની ઈર્ષ્યા
12 મૂસા એક કૂશી સ્ત્રીને પરણ્યો હતો. એકવાર મરિયમ અને હારુને મૂસાની ટીકા કરી, કેમકે તે તેને પરણ્યો. 2 તેઓએ કહ્યું, “શું ફકત મૂસા સાથે જ યહોવાએ વાત કરી છે? તેમણે શું આપણી સાથે પણ વાત નથી કરી?”
યહોવાએ તેમના આ શબ્દો સાંભળ્યા. 3 મૂસા તો ખૂબ નમ્ર માંણસ હતો એના જેવો નમ્ર માંણસ વિશ્વમાં પણ મળે નહિ. 4 યહોવાએ તાત્કાલિક મૂસા, હારુન અને મરિયમને મુલાકાત મંડપમાં હાજર થવા આજ્ઞા કરી; “તમે ત્રણે જણ અહીં આવો.”
તેથી તેઓ યહોવા સમક્ષ ઊભા રહ્યા. 5 પછી તંબુના પ્રવેશદ્વાર પાસે યહોવા મેખસ્તંભમાં નીચે ઊતર્યા, અને તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહી તેમણે “હારુનને અને મરિયમને” બોલાવ્યાં, 6 “જ્યારે તે બંને જણ આગળ ગયાં એટલે દેવે કહ્યું, હું કહું તે ધ્યાનથી સાંભળો. પ્રબોધકોની સાથે હું સ્વપ્નમાં દર્શન આપીને વાત કરું છું. 7 પરંતુ માંરા સેવક મૂસાની વાત તો ન્યારી છે. માંરું આખું ઘર મેં એના વિશ્વાસે છોડયું છે. 8 હું એની સાથે તો મોઢામોઢ વાત કરું છું, હું ચોખ્ખી વાત કહું છું, મર્મોમાં બોલતો નથી, તેણે માંરું સ્વરૂપ નિહાળ્યું છે. તે પછી માંરા સેવક મૂસાની ટીકા કરતાં તમને ડર કેમ લાગતો નથી?”
9 પછી યહોવાનો કોપ તેમના પર ઉતર્યો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. 10 તંબુ પરથી વાદળ હઠી જતાંની સાથે જ મરિયમને કોઢ ફૂટી નીકળ્યો અને તેની ચામડી કોઢથી ધોળી થઈ ગઈ. હારુને તે જોયું.
11 ત્યારે તેણે મૂસાને પોકાર કર્યો, “માંરા ધણી, દયા કરીને મૂર્ખાઈમાં અમે જે પાપ કરી બેઠાં છીએ તેને માંટે અમને શિક્ષા કરશો નહિ. 12 જન્મ વખતે જ જેનું અડધું માંસ ખવાઈ ગયું હોય એવા મરેલા જન્મેલા બાળક જેવી એને થવા ન દેશો.”
13 એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો, “ઓ દેવ, તેને સાજી કરો, હું તમને વિનંતી કરું છું.”
14 યહોવાએ મૂસાને કહ્યું, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લજજીત ગણાત. તેથી તેને સાત દિવસ છાવણી બહાર એકાંતમાં મોકલો, ત્યારબાદ તેને પાછી છાવણીમાં લઈ આવજો.”
15 આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર જુદી રાખવામાં આવી, અને લોકોએ તે છાવણીમાં પાછી ન આવી ત્યાં સુધી મુકામ ઉપાડીને આગળ મૂસાફરી કરી નહિ. 16 ત્યારવાદ તેમણે હસેરોથથી આગળ પ્રવાસ કર્યો અને પારાનના અરણ્યપ્રદેશમાં મુકામ કર્યો.
મૂસાએ કનાન દેશમાં મોકલેલા જાસૂસો
13 પછી યહોવાએ મૂસાને કહ્યું, 2 “હું જે કનાની ભૂમિ ઇસ્રાએલીઓને આપવાનો છું. તેની ફરીને જાસૂસી કરવા માંટે માંણસો મોકલ. દરેક કુળસમૂહમાંથી એક એક માંણસ જે આગેવાન હોય તેને પસંદ કરીને મોકલ.”
3 યહોવાની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ ઇસ્રાએલીઓના નીચે પ્રમાંણેના આગેવાનોને મોકલી આપ્યાં:
4 રૂબેન કુળસમૂહમાંથી ઝાક્કૂરનો પુત્ર શામ્મૂઆ;
5 શિમયોનના કુળસમૂહમાંથી હોરીનો પુત્ર શાફાટ;
6 યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ;
7 ઈસ્સાખારના કુળસમૂહમાંથી યૂસફનો પુત્ર ઈગાલ;
8 એફ્રાઈમના કુળસમૂહમાંથી નૂનનો પુત્ર હોશિયા;
9 બિન્યામીનના કુળસમૂહમાંથી રાફ્રુનો પુત્ર પાલ્ટી;
10 ઝબૂલોનના કુળસમૂહમાંથી સોદીનો પુત્ર ગાદીએલ;
11 યૂસફના મનાશ્શા કુળસમૂહમાંથી સૂસીનો પુત્ર ગાદી;
12 દાન કુળસમૂહમાંથી ગમાંલ્લીનો પુત્ર આમ્મીએલ;
13 આશેરના કુળસમૂહ તરફથી મિખાયેલનો પુત્ર સથૂર;
14 નફતાલીના કુળસમૂહ તરફથી વોફસીનો પુત્ર નાહબી;
15 ગાદના કુળસમૂહમાંથી માંખીનો પુત્ર ગેઉએલ.
16 જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતા. મૂસાએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું.
17 મૂસાએ તેઓને કનાનભૂમિની ફરીને તપાસ કરવા મોકલતી વખતે સૂચનાઓ આપી: “તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ. 18 અને ત્યાં જઈને જુઓ કે તે પ્રદેશ કેવો છે; ત્યાં રહેનારા લોકો કેવા છે-બળવાન છે કે નબળા, વસ્તી વધારે છે કે ઓછી; 19 તે દેશની જમીન ઉપજાઉ છે કે નહિ; તેઓ જે શહેરોમાં રહે છે તે અરક્ષિત છે કે કિલ્લેબંદીવાળા નગરો; 20 ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજજડ, ત્યાં જંગલો છે કે નહિ, નિર્ભય થઈને જાઓ અને ત્યાંના કેટલાંક ફળોના નમૂના લઈને આવો.” એ સમય દ્રાક્ષની ઋતુનો પ્રથમ પાકનો હતો.
21 તેઓએ સમગ્ર દેશમાં જઈને સીનના અરણ્યથી માંડીને હમાંથની ઘાટી પાસે આવેલા રહોબ સુધીનો પ્રદેશ તપાસ્યો. 22 ઉત્તર તરફ જતાં તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં તેઓએ રાક્ષસ અનાકના વંશજોના અહીમાંન, શેશાય અને તાલ્માંય કુટુંબોને વસેલાં જોયાં. (મિસરમાં સોઆન સ્થપાયું તેના સાત વર્ષ પહેલાં હેબ્રોન સ્થપાયું હતું.) 23 તેઓ પછી હાલમાં જે એશ્કોલની ખીણ તરીકે ઓળખાય છે ત્યાં આવ્યા. તેઓએ ત્યાં દ્રાક્ષના એક ઝૂમખા સાથેની દ્રાક્ષની વેલની એક ડાળી કાપી લીધી. બે માંણસોએ તેને એક વાંસ ઉપર ઉપાડવી પડી, પછી તેમણે દાડમ અને અંજીરના પણ કેલટાક નમૂના ભેગા કર્યા. 24 ઇસ્રાએલીઓએ ત્યાંથી દ્રાક્ષનો એક ઝૂમખો કાપી લીધો હોવાથી એ જગ્યાનું નામ એશ્કોલનું[a] કોતર પાડવામાં આવ્યું. 25 તે દેશમાં ફરીને તે લોકોએ 40 દિવસ સુધી તપાસ કરી. પછી પાછા એ લોકો પારાનના અરણ્યમાં કાદેશ મુકામે મૂસા અને હારુનની તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજની પાસે પાછા આવ્યા. 26 ત્યાં પારાનના અરણ્યમાં કાદેશ મુકામે તેમણે તેમની આગળ અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળોનાં નમૂના બતાવ્યાં. 27 તેઓએ મૂસાને આ મુજબ કહ્યું, “તમે અમને જે દેશમાં તપાસ કરવા મોકલ્યા હતા ત્યાં અમે ગયા, ત્યાં ખરેખર દૂધ અને મધની રેલછેલ છે. આ રહ્યાં ત્યાંનાં ફળ. 28 પણ ત્યાંના લોકો શક્તિશાળી છે, તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકના રાક્ષસીઓને પણ જોયા. 29 અમાંલેકીઓ દક્ષિણમાં રહે છે, હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશોમાં રહે છે, અને કનાનીઓ દરિયાકાંઠે અને યર્દનને કાંઠે રહે છે.”
30 પછી કાલેબે મૂસાની આગળ ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, “આપણે, તરત એ દેશનો કબજો લઈએ, આપણે એને જીતી શકવા માંટે સાચે જ સમર્થ છીએ.”
31 પણ તેમની સાથે ગયેલા બીજા જાસૂસોએ કહ્યું, “આપણે એ લોકોને જીતી શકીએ તેમ છે જ નહિ, તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.” 32 તેમણે તપાસેલી ભૂમિ વિરુદ્ધ ઇસ્રાએલીઓને કહેવાનું તેઓએ શરુ કર્યુ; “અમે જે ભૂમિ તપાસી તે શક્તિશાળી લોકોથી ભરેલી છે કે જેઓ ત્યાં જતી કોઈ પણ વ્યક્તિને સરળતાથી હરાવવા સક્ષમ છે. ત્યાં અમે જોયેલા બધા માંણસો કદાવર અને બળવાન હતા. 33 તદુપરાંત અમે ત્યાં અનાકના વંશજો પુરાતન સમયના રાક્ષસોના વંશજોને પણ જોયા, તેઓ ખૂબ ઊચા અને કદાવર છે, અને અમે તો તેમની આગળ તીતીધોડા જેવા છીએ. એમ અમને લાગતું હતું. અને તે લોકોને પણ અમે તીતીધોડા જેવા જ લાગ્યા હોઈશું.”
બંડખોર લોકોની ફરિયાદો
14 એ સાંભળીને સમગ્ર ઇસ્રાએલી સમાંજ મોટે સાદે આખી રાત રુદન કરતો રહ્યો. 2 તેઓ બધા મૂસા અને હારુનની વિરુદ્ધ બડબડાટ કરવા લાગ્યા. “આના કરતાં તો અમે મિસરમાં કે અહીં અરણ્યમાં જ મૃત્યુ પામ્યાં હોત તો વધારે સારું થાત. 3 યહોવા અમને એ દેશમાં શા માંટે લઈ જાય છે? ત્યાં અમે યુદ્ધમાં માંર્યા જઈશું અને અમાંરી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ બાનમાં પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું સારું!”
4 આમ તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “ચાલો, આપણે કોઈને આગેવાન તરીકે પસંદ કરીએ અને પાછા મિસર જઈએ.”
5 આ સાંભળીને મૂસા તથા હારુન ઇસ્રાએલીઓના ભેગા મળેલા સમગ્ર સમાંજ સમક્ષ ઊધે મસ્તકે ભૂમિ પર પડયા. 6 અને દેશમાં ફરીને તપાસ કરવા ગયેલામાંના બે જણે, નૂનના પુત્ર યહોશુઆએ તથા યફૂન્નેહના પુત્ર કાલેબે દુઃખના માંર્યા પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, 7 અને ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ઉદેશીને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે અદભૂત ખૂબ સારો દેશ છે. 8 જો યહોવા આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને એ દેશમાં લઈ જશે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેવી ભૂમિ તે આપણને આપશે. 9 યહોવાની વિરુદ્ધ બંડ ન કરશો, એ લોકોથી ડરશો નહિ, તે બધાને હરાવવા આપણે શક્તિમાંન છીએ. હવે તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી અને યહોવા આપણી સાથે છે, તેથી તેમનાથી જરાય ડરશો નહિ.”
10 તેમ છતાં લોકો યહોશુઆ અને કાલેબને પથ્થરે માંરવાની ધમકી આપતા હતા, પરંતુ તે જ સમયે યહોવાનું ગૌરવ મુલાકાતમંડપ પર બધા ઇસ્રાએલીઓ સમક્ષ પ્રગટ થયું. 11 યહોવાએ મૂસાને કહ્યું, “એ લોકો કયાં સુધી માંરી વિમુખ રહેશે? એમની વચ્ચે મેં આટલા બધા ચમત્કારો કર્યા છતાં પણ તેઓ માંરામાં વિશ્વાસ રાખતા નથી કયાં, સુધી તેઓ માંરા પર વિશ્વાસ રાખવાની ના પાડયા કરશે? હું મરકીનો રોગચાળો ફેલાવીને તેમનો નાશ કરીશ અને તારામાંથી હું એક નવી વધારે મહાન અને બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ.”
12-13 પણ મૂસાએ યહોવાને કહ્યું, “પરંતુ મિસરના લોકો જાણે છે કે, તમે તમાંરા બાહુબળથી તેઓને મિસરમાંથી લઈ આવ્યા છો. 14 તેમણે આ દેશની પ્રજાને પણ તે જણાવ્યું છે. એ લોકો જાણે છે કે, યહોવા અમાંરી વચ્ચે વસે છે અને તે અમને મોઢામોઢ દર્શન આપે છે, અમને તેમના વાદળની ઓથે મળે છે, એ લોકો જાણે છે કે, તમે દિવસે વાદળના સ્તંભરૂપે અને રાત્રે અગ્નિના સ્તંભરૂપે અમાંરી આગળ ચાલો છો. 15 હવે, જો તમે તમાંરી પ્રજાનો સંહાર કરશો, તો જે પ્રજાઓએ તમાંરી એ બધી વાતો સાંભળી છે તેઓ કહેશે, 16 ‘યહોવાએ આ લોકોને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તે એમને લઈ જઈ શક્યા નહિ; એટલે તેમણે તે બધાને અરણ્યમાં એકસામટા મોતને ઘાટ ઉતારી દીધા.’
17 “એટલે માંરી તમને વિનંતી છે કે, જેમ તમે કહ્યું હતું તેમ તમાંરું સાર્મથ્ય બતાવો. 18 તમે કહ્યું હતું કે, ‘હું યહોવા એકદમ ગુસ્સે થતો નથી, હું મહાન પ્રેમ અને વિશ્વાસ દર્શાવું છું, અને પાપ તથા અપરાધોની માંફી આપું છું તેમ છતાં પાપીઓના પાપની સજા ત્રીજી અને ચોથી પેઢીનાં બાળકો સુધી કરવાનું હું ચુકતો નથી.’ એ હવે સાચું પુરવાર કરો. 19 અમે મિસરમાંથી બહાર નીકળ્યા ત્યારથી આજપર્યંત દરેક સમયે તમે તેઓને માંફી આપી છે, તેમજ આજે પણ તમાંરી મહાનતા અને તમાંરા અટલ પ્રેમને કારણે તમે આ લોકોનાં પાપોને માંફ કરો એવી હું તમને આગ્રહપૂર્વક વિનંતિ કરું છું.”
20 યહોવાએ કહ્યું, “તમાંરી વિનંતી મુજબ હું તેઓને માંફી આપીશ, 21 માંરા જીવ જેટલી ચોકસાઈથી હું માંરા પોતાના ગૌરવ કે જે આખી પૃથ્વીમાં વ્યાપેલું છે તેનાથી સમ ખાઈને કહું છું કે, 22 જે લોકોએ માંરું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં માંરાં પરાક્રમો જોયાં છતાં દશદશ વખત માંરું પારખું કર્યુ છે અને માંરું કહ્યું માંન્યું નથી, 23 મેં એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેઓમાંનો એક પણ દાખલ થવા પામશો નહિ, માંરી વિરુદ્ધ ફરી જનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ. 24 પરંતુ માંરો સેવક કાલેબ અલગ પ્રકૃતિનો માંણસ છે, તે મને સંપૂર્ણપણે વફાદાર રહ્યો છે, તેથી જે દેશમાં એ જઈને આવ્યો છે તે દેશમાં હું એને લઈ જઈશ અને તેના સંતાન એના ધણી થશે. 25 એ દેશના સપાટ ભાગોમાં અત્યારે અમાંલેકીઓ અને કનાનીઓ વસે છે. તેથી કાલે જ તમાંરે આ જગ્યા છોડી દેવાની છે અને રાતા સમુદ્રને રસ્તે પાછા રણમાં જજો.”
યહોવાની લોકોને શિક્ષા
26 ત્યારબાદ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, 27 “આ દુષ્ટ લોકો કયાં સુધી માંરી વિરુદ્ધ ફરિયાદો કર્યા કરશે? તેઓએ જે કહ્યું છે તે સર્વ મેં સાંભળ્યું છે. 28 તું એ લોકોને જણાવ કે, ‘આ યહોવાનાં વચન છે: હું માંરા સમ ખાઈને કહું છું કે, તમે માંરા સાંભળતા જે બોલ્યા હતા તે જ પ્રમાંણે હું કરીશ. 29 તમે લોકોએ માંરા વિરુદ્ધ ફરિયાદ કરી છે તેથી તમાંરાં સૌના મૃતદેહ આ અરણ્યમાં રઝળશે. 30 મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં વીસ વર્ષના અને તેની ઉપરના તમાંરામાંના કોઈ પ્રવેશવા પામશે નહિ. ફકત યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે. 31 તમે એમ પણ કહ્યું હતું કે, દુશ્મનો તમાંરા બાળકો બાનમાં પકડશે પણ હું તે બાળકોને તે ભૂમિમાં પાછા લઈ આવીશ અને તમે અસ્વીકાર કરેલી ભૂમિનો તેઓ આનંદ માંણશે. 32 પણ તમાંરાં મૃતદેહો તો આ અરણ્યમાં રઝળશે.
33 “‘અને તમાંરામાંનો છેલ્લો માંણસ અરણ્યમાં મૃત્યુ પામશે નહિ ત્યાં સુધી તમાંરાં બાળકો અરણ્યમાં 40 વર્ષ સુધી ભરવાડ તરીકે રઝળશે; તેઓ દુઃખી થશે કેમકે તમે મને વફાદાર ન હતા. 34 ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40 વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?’
35 “હું યહોવા આ બોલું છું. માંરો વિરોધ કરવા એકત્ર થયેલા આ દુષ્ટ લોકોના હું ભૂડાં હાલ કરીશ. તેઓ એકે એક આ અરણ્યમાં મૃત્યુ પામશે.”
36 જે દશ માંણસોને મૂસાએ દેશમાં ફરીને તપાસ કરવા મોકલ્યા હતા તેમણે ખોટો હેવાલ આપ્યો, જેને કારણે લોકોએ યહોવા વિરુદ્ધ બંડ કર્યું. 37 તેઓ બધા યહોવા સમક્ષ રોગનો ભોગ બન્યા અને મરી ગયા, કારણ, તેમણે એ દેશને વખોડી કાઢયો હતો. 38 જેઓ દેશમાં તપાસ કરવા ગયા હતા, તે જાસૂસોમાંથી ફકત નૂનનો દીકરો યહોશુઆ અને યફૂન્નેહનો દીકરો કાલેબ જ જીવતા રહ્યા.
લોકોનો કનાન જવાનો પ્રયત્ન
39 જયારે મૂસાએ સમગ્ર ઇસ્રાએલી પ્રજાને યહોવાના વચન કહી સંભળાવ્યાં ત્યારે છાવણીમાં ભારે શોક છવાઈ ગયો અને તેઓ ખૂબ પસ્તાવા લાગ્યા. 40 બીજે દિવસે વહેલી સવારે તેઓ ઊઠયા અને બોલ્યા, “જુઓ, યહોવાએ જે ભૂમિની વાત કરી હતી ત્યાં જવા અમે તૈયાર છીએ, અમે કરેલાં પાપનું અમને ભાન થયું છે. હવે અમે યહોવાએ જે દેશનું વચન આપ્યું હતું ત્યાં જવા તૈયાર છીએ, એમ કહેતાં તેઓ પહાડી પ્રદેશ ઉપર ચઢાઈ કરવા નીકળી પડયા.”
41 પછી મૂસાએ કહ્યું, “હવે તે માંટે ઘણું મોડું થયું કહેવાય. યહોવાએ તમને અરણ્યમાં પાછા જવાની આજ્ઞા કરેલ છે, તમે હવે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન શા માંટે કરો છો? એમાં તમને કોઈ લાભ થશે નહિ. 42 હવે તમે જરાય આગળ વધશો નહિ, નહિ તો તમાંરા દુશ્મનો તમને પરાસ્ત કરશે. કારણ કે યહોવા હવે તમાંરી સાથે નથી. 43 અમાંલેકીઓ અને કનાનીઓ તમાંરો સામનો કરવા ઊભા છે અને તમે તેમના શિકારનો ભોગ બનશો. કારણ તમે યહોવાને અનુસરવાનું ત્યજી દીધું છે, અને તેથી હવે યહોવા તમાંરી સાથે નથી.”
44 કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ગયા નથી એ હકીકત જાણવા છતાં તેમણે હઠપૂર્વક પહાડી પ્રદેશ તરફની કૂચ ચાલુ રાખી. 45 પછી પહાડી પ્રદેશમાં વસતા અમાંલેકીઓ અને કનાનીઓ તેમના પર તૂટી પડયા અને તેઓને હરાવ્યા, અને છેક હોર્માંહ સુધી તેઓને માંરી નસાડ્યા.
Footnotes
- 13:24 એશ્કોલ આ હિબ્રુ શબ્દનો અર્થ છે, “દ્રાક્ષનો એક ઝુમકો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International